મુલાકાત બદલ આભાર

શનિવાર, 9 માર્ચ, 2013

ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી


ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી


          


પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો


ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયુંતેમ પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઇ ગયા હતા...

જ્યારે લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. તેવી જ રીતે ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર પણ ચામુંડા માતાજીના અનન્ય ભક્ત હતા. સોમલાબાપુ ખાચર ઘોડા પર બેસીને બહારગામ જાય ત્યારે તેમની સાથે રાખેલા ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરવા બેસતાં હતાં.


ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઇવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે.

ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે


ચોટીલા સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર મનાતા પાંચાળવિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે વિખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં જ થયો હતો, તેવી જ રીતે લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા હાજરાહજૂર બિરાજમાન છે.

પાંચાળ વિસ્તારના ચોટીલા પંથકની ભૂમિનો સોનેરી અને ભવ્ય ઇતિહાસ પંથકની પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા સાથે આ ભૂમિના કાંકરે કાંકરે કંડારાયેલો છે.

આવા આ રૂડા પાંચાળ પંથકના ચોટીલામાં પ્રજાના છત્ર સમાન ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો માઇભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે માડી સમક્ષ શિશ ઝુકાવવા આવે છે. ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ૧૪૦ વર્ષથી ગોસાઇના પરિવારના સભ્યો કરી રહ્યા છે.

વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.

જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો