ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને નૂતન વસ્ત્ર, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે. પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને વ્રજભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. કેસૂડો અને વિવિધ રંગોથી ખેલે છે. અને ખેલાવે છે. હોળીની ધમાર-ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે.
આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, સોળ હજાર કુમારિકાઓ પાસે પત્ર-પુષ્પથી સજાવી ડોલ સિધ્ધ કરાવે છે. વળી, શ્રીસ્વામિનીજી, શ્રીચંદ્રાવલીજી, શ્રીલલિતાજી વગેરેને બોલાવી કહે છે કે તમે બધા હળીમળીને સુંદર ડોલ સિધ્ધ કરો. લાલાને એમાં ઝુલાવો. ખૂબ હોળી ખેલો અને લાલાને ખેલાવો. લાલાને આજે એટલું બઘું ખેલાવો કે હોળી ખેલથી એ ધરાઈ જાય અને કંટાળી જાય. બીજા દિવસે એને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે.
આ સાંભળીને સર્વ સ્વામીનીજીઓને ખૂબ આનંદ થાય છે. તેમને થાય છે કે આજે અમારા મનના સર્વ મનોરથો પૂર્ણ થશે. સર્વ ગુરુજનો અને વડીલોની હાજરીમાં પ્રભુને ઝૂલાવવાનો અને ખેલાવવાનો મોકો મળશે. બધાંએ મળીને સુંદર કુંજની રચના કરી. તેમાં પત્ર-પુષ્પોથી સજાવી સુંદર ડોલ સિદ્ધ કર્યો. તેમાં પ્રભુને ઝુલાવ્યા. કેસૂડો અને અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી ખૂબ ખેલાવ્યા. સાથે સાથે નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, બળદેવજી, સમસ્ત વ્રજવાસીઓ, ગોપ-ગોપીઓ બધાં મળીને ખૂબ હોળી રમ્યા. પ્રભુએ પણ વ્રજલલનાઓ સાથે હોળીખેલનો અને ડોલ ઝૂલવાનો આનંદ માણ્યો.
શ્રીઠાકોરજી નંદાલયમાં આ રીતે ડોલ ઝૂલે છે અને ફાગ ખેલે છે. તે જ રીતે નિકુંજલીલાના ભાવથી વૃંદાવનમાં, શ્રીગોર્વધનની તળેટીમાં, કુંજ-નિકુંજોમાં યુગલ સ્વરૂપે ડોલ ઝૂલે છે. વ્રજના આ અલૌકિક સ્થાનો છે. ત્યાં સદા સુંદર ઝરણા વહે છે. શીતલ મંદ વાયુ વાય છે. અનેક પ્રકારની માધુરી લતાઓ અને વૃક્ષો ઉપર સુંદર ફૂલ ખીલે છે. સદાયે વસંત રહે છે. આ લતાઓ વૃક્ષો વગેરે ભગવદીય છે. એમના ભોક્તા પ્રભુ છે. પ્રભુને જ માટે આ સર્વ અલૌકિક પદાર્થો વ્રજમાં રહેલા છે. પ્રભુ આ ડોલોત્સવના મિષે, એ બધાની વિનંતીથી, તેમનો અંગીકાર કરે છે. પત્ર-પુષ્પ વગેરેનો ડોલ સિધ્ધ થાય છે. અને એ સર્વ ભગવદીયોના મનોરથો પૂર્ણ થાય છે.
પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી સર્વ મંદિરો, હવેલીઓ અને વૈષ્ણવોના ધેર ડોલોત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પત્ર-પુષ્પથી સજાવી ડોલતિબારીમાં સુંદર ડોલ સિધ્ધ કરવામાં આવે છે. સફેદ પિછવાઈ અને સફેદ ઝાલર બંધાય છે. ડોલનું અધિવાસન થાય છે. રાજભોગ આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બિરાજે છે. ડોલમાં પહેલા શ્રીપ્રભુને રંગોથી અને પિછવાઈ ઝાલર, તથા ડોલ ઉપર કેસુડાની પિચકારી અને રંગોથી ખેલ થાય છે. પછી ડોલમાં જ પ્રભુને ભોગ આવે છે. ભોગ સર્યા પછી દર્શન થાય છે. સન્મુખ બીડાં આરોગે છે. ત્યાર બાદ ફરી ખેલ થાય છે.
પ્રભુ વ્રજનાં વિવિધ સ્થાનોમાં ડોલ ઝૂલ્યાં છે. એ ભાવનાથી મંદિરોમાં આ દિવસે પ્રભુને ચાર ભોગ આવે છે. ચાર ખેલનાં દર્શન થાય છે. પ્રભુને દરેક ભોગમાં વિવિધ સામગ્રીઓ આરોગાવાય છે. બીડાં આરોગે છે. ક્રમશ ભારે ખેલ થાય છે. કેસૂડાની પિચકારીઓ અને અબીલ-ગુલાલની પોટલીઓ ઉડે છે. એટલો બધો રંગ ઊડે છે કે, સમગ્ર દર્શન ચોકમાં જાણે અબીલ-ગુલાલથી અંધારૂ છવાઈ જાય છે. શ્રીઠાકોરજી, ડોલ, પિછવાઈ, ઝાલર વગેરે રંગોથી અને કેસુડાથી તરબતર થઈ જાય છે. પૂ.મહારાજશ્રી અથવા મુખિયાજી ખૂબ રંગ અને કેસૂડો દર્શનાર્થી વૈષ્ણવો ઉપર પણ ઉડાડે છે. સૌ દર્શનાર્થી વૈષ્ણવો પણ હોરીખેલનો અલૌકિક આનંદ શ્રીઠાકોરજી સાથે માણે છે. એટલો બધો ભારે ખેલ થાય છે કે શ્રીઠાકોરજી હોરી ખેલથી ધરાઈ જાય. સાથે સાથે હોરીખેલનાં અને ઝૂલાવવાનાં કીર્તનો પણ ગવાય છે. ચોથા ભોગનાં દર્શન પછી આરતી થાય છે. બાદ પ્રભુ નિજમંદિરમાં ભીતર પધારે છે. વૈષ્ણવો ડોલની પરિક્રમા કરી લે ત્યારબાદ તરત જ ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે. મંદિર ધોવાઈને એટલું સ્વચ્છ બની જાય કે રંગનું નામ-નિશાન ન રહે. જેથી શ્રીઠાકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે. રંગ નીકળી ગયા પછી નિત્યક્રમ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધીની સેવા થાય છે.
આ રીતે નંદાલયની અને નિકુંજલીલાની ભાવનાથી પુષ્ટિમાર્ગમાં ડોલોત્સવ મનાવવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો