હનુમાનજી બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇચ્છાથી આકાશમાં ઊડવા લાગ્યા અને તેજગતિથી ત્રણ હજાર યોજન ઊચે ગયા
ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાનજીની જન્મજયંતી. રામચરિતમાનસના વંદના પ્રકરણમાં તુલસી-દાસજીએ હનુમાનજીની વંદના કરતા લખ્યું છે :
પ્રવનઉ પવનકુમાર ખલબલ પાવક જ્ઞાનધન,
જાસુ રા આગાર, બસહિં રામ સરચાપ ધર.
મહર્ષિ વાલ્મીકિકૃત રામયણમાં કિષ્કિંધાકાંડના છાસઠમાં સર્ગમાં હનુમાનજીની જન્મકથા વર્ણવી છે. સાગરના ઉલ્લંઘન માટે જાંબવાન સ્વમુખે હનુમાનજીને તેમની જન્મકથા સંભળાવે છે.
સ્વર્ગની સર્વે અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી પુંજિકસ્થલા નામની અપ્સરા કોઇ ઋષિના શાપથી મહાત્મા કુંજરકપિને ત્યાં વાનરી તરીકે જન્મી હતી. અપ્સરા વાનરીપણાને પામી હોવા છતાં પણ તે ઇરછાનુસાર રૂપ ધારણ કરવામાં શકિતમાન હતી. તેનું નામ અંજના હતું. તેનાં લગ્ન વાનરશ્રેષ્ઠ કેસરી સાથે થયાં હતાં. અંજના તેના રૂપ માટે ત્રણેય લોકમાં સુવિખ્યાત હતી.
એક દિવસ અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.
સર્વાંગ સુંદર એવી યશસ્વિની અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઇ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઇ ગયું.જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઇએ ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’
આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, સત્ત્વતેજ, બલ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.
મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇરછાથી આકાશમાં ઊડવા લાગ્યા અને તેજગતિથી ત્રણ હજાર યોજન ઊચે ગયા, ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન વાતાત્મજન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ(હડપચી) છેદાયો અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.
પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું – તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો