મુલાકાત બદલ આભાર

ગુરુવાર, 11 એપ્રિલ, 2013

ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ

ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ (ગૂડી પડવો)

 

 હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્રી માસનો પ્રથમ દિવસે એટલે ગૂડી પડવો અને શાલિવાહન સંવત ૧૯૩૪નો આરંભ. ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે ચૈત્ર સુદ બીજ સિંધી સમુદાયનું નૂતન વર્ષ. આ દિવસે સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન વરુણ જે ઝુલેલાલ-દરિયાલાલ તરીકે જાણીતા છે તેમની સ્તુતિ-ભજન-કીર્તન અને અનુષ્ઠાન કરી આરાધના કરે છે. આ દિવસે સિંધીઓ નજીકના નદી અથવા તળાવે જઇ જળદેવતા ઝુલેલાલની પૂજા-અર્ચના કરીને દીવો પ્રગટ શ્રીફળ-ફૂલો જળદેવતાને અર્પણ કરે છે. ભગવાન ઝુલેલાલની પ્રાગટ્ય કથા આ પ્રમાણે છે.

પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશમાં સાહતખાન રાજાનું શાસન ચાલતું હતું. તે સમયે સરદાર મકબરખાને સાહતખાનની કતલ કરીને તે સિંધની ગાદીએ ચઢી બેઠો. તેણે મરખશાહ નામ ધારણ કરીને પોતાની આણ વર્તાવી.મરખશાહ ધમાઁધ અને ઝનૂની હતો. આ બાદશાહનો એક વજીર તેનું નામ હતું ‘આહા’. આ આહા મરખશાહ બાદશાહને હરહંમેશાં હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો. એક વખત બાદશાહે સિંધમાં ફરમાન બહાર પાડ્યું કે સમસ્ત હિન્દુઓ મુસ્લિમ બની જાઓ અથવા તમારો ધર્મ સાચો છે તેની ખાતરી કરાવો.

આ ફરમાન સાંભળીને હિન્દુ પ્રજા ખળભળી ઊઠી. છેવટે બધાએ સાગર તટે જઇને સામૂહિક જળસમાધિ લઇ લેવી. પણ કેટલાક અનુભવીઓએ કહ્યું કે દરિયાકિનારે જઇને દરિયાલાલની આરાધના કરવી. વરુણદેવ કાં બચાવશે કાં મારશે. સમસ્ત હિન્દુ ‘સાગર’ દેવતાનાં ચરણોમાં ઊમટી પડ્યા. પ્રાર્થના, ભજન, ધૂનમાં આખો દિવસ વીતી ગયો. ત્રણ-ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા લોકો વરુણદેવને ભજતા રહ્યા. ત્રીજા દિવસે એક વાણી સંભળાઇ. હે હિન્દુ ભકતો, તમે સર્વે ઘેર જાઓ. તમારું સંકટ દૂર કરવા માટે હું થોડા દિવસમાં ‘નરસપુર’માં અવતાર ધારણ કરીશ અને સર્વેને ધર્મનો સાચો માર્ગ બતાવીશ માટે નિશ્વિતમને સૌ પોત-પોતાનાં ઘેર જાઓ અને ધર્મને વળગી રહો.

સંવત ૧૨૨૯ના ચૈત્ર માસની શુક્લ પક્ષી બીજે રૂપ-રૂપના અંબાર સમો બાળક જન્મ્યો અને તે વાત હિન્દુ સમાજમાં પ્રસરી ગઇ અને તેનું નામ પાડવામાં આવ્યું. ‘લાલ ઉદેરાય.’આ દરમિયાન વજીર ‘આહા’ પોતાના રસાલા સાથે નરસપુરમાં આવ્યા. તેણે તપાસ કરી કે નરસપુરમાં કેટલાં નવાં બાળકો જન્મ્યાં છે? તો એને જાણવા મળ્યું કે, ‘લોહાણા’ જ્ઞાતિમાં રત્નરાય ઠક્કરને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. આહા એ સાંભળીને રત્નરાયને ત્યાં પહોંચ્યા.

રસાલા સાથે વજીરને પોતાને ત્યાં આવેલો જોઇને ઠક્કર રત્નરાય ગભરાયા. એમણે વજીરને કહ્યું કે બાળક થોડો મોટો થશે એટલે તેને અમે રાજા દરબારમાં રાજાનાં દર્શન કરવા માટે સાથે લાવીશું. અત્યારે તમે દરબાર ગઢમાં પાછા જાઓ. બાળક નાનું છે. હરતું-ફરતું થાય એટલે અમે ત્યાં રાજાને મળવા આવીશું. આટલું સમજાવીને વજીર આહાને નરસપુરમાંથી વિદાય કર્યા. ત્યાં તો વજીર આહાની પહેલાં એ બાળક રાજા પાસે શાહી મહેલમાં પહોંચી ગયો.

મરખશાહે એ બાળકને પકડવા માટે પહેરીગરોને હુકમ આપ્યો હતો. પરંતુ કેમેય કરીને એ બાળક હાથમાં ન આવ્યું. પહેરેગીરો હેરાન-પરેશાન થઇ ગયા એનાં જાત-જાતનાં રૂપો જોઇને દંગ થઇ ગયા.ત્યારે એ બાળકે રાજાને કહ્યું કે, હે મરખશાહ, અલ્લાહ એક છે એને તમે ઇશ્વર કહો કે ખુદા. અલ્લાહતાલાની નિગાહમાં ન કોઇ હિન્દુ છે ન કોઇ મુસ્લિમ. તમે કુરાને શરીફમાં માનો છો. તે કુરાને શરીફને યાદ કરો. કુરાને સ્પષ્ટ ફરમાવ્યું છે કે સર્વે પદાર્થમાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરો.

બાળકની વાત સાંભળીને રાજાની આંખો ઊઘડી ગઇ. તેઓએ ફરમાન કર્યું કે હિન્દુઓ ભલે તેમનો ધર્મ પાળે. આપણે કોઇના ધર્મની આડે આવવું નહીં.આમ એ બાળકનું નામ પડ્યું ઝુલેલાલ (દરિયાલાલ). હિન્દુ સંસ્કૃતિને બચાવી હિન્દુ ધર્મને બચાવ્યો. ત્યાર પછી લોકો (સિંધમાંથી ભારતમાં આવેલ લોકો) દરિયાલાલ (ઝુલેલાલ) જયંતી મનાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો