મુલાકાત બદલ આભાર

મંગળવાર, 10 જુલાઈ, 2012

તુલસીશ્યામ




  • તુલસીશ્યામ











ભારતના પશ્ચિમ ભાગના રાજ્ય ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેરથી માત્ર 123 કિ.મી. દૂર આવેલ તુલસીશ્યામ. સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિ.મી. જ દૂર છે. કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ વગેરે જોવા મળી આવે છે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે. જુનાગઢથી કેશોદ, વેરાવળ, કોડીનાર અને ઉના થઇને તુલસીશ્યામ જઇ શકાય છે. આ માર્ગે વચ્ચે વંથલી, સોમનાથ, ગોરખમઢી અને પ્રાચી જેવા તીર્થસ્થળો પણ આવે છે.

એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં અને તેની પર ખુશ થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.

જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતાં. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહી જ ને. તેમણે નારદને પુછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો. હવે વિષ્ણું તેનો સાગરલોક છોડીને વિષ્ણુંલોકમાં પાછા ફર્યા.



અત્યારે જ્યાં તુલસીશ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયાં. બીજી બાજુ વૃંદાને સ્વપ્નું આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે. તે વાતની ખાત્રી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા. તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી. સાધુએ કહ્યું તે તારા પતિનુ મૃત્યું થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા. વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યું થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે.

વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહિ. વિષ્ણુંએ તેને વરદાન આપ્યું કે તુ વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારૂ મહત્વ રહેશે. તુ પ્રાણીઓની પીડાને ઓછી કરીશ. તુ તુલસીરૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસીશ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા. અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઈ.

તુલસીશ્યામની આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી. અહીંયા ભાદરવી સુદ અગિયારસના દિવસે જલઝિલણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો